STORY OF PARTITION OF INDIA (GUJARATI)

સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ (ભાગ ૨)

(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર)
(૩) મહાત્મા મહાત્મા જ રહ્યા, ઝીણા ઝીણા જ રહ્યા !
ક્રાંતિ સાથે થોડાક શબ્દો જોડાઈ ગયા છે : બળવો, મશાલ, કતલ, યુદ્ધ, સત્તાપલટો અને યાતના. આવું કશુંક જેમાં ન હોય તે ઘટનાને ક્રાંતિ તરીકે જોવાની કે સમજવાની આપણને ટેવ નથી. ક્રાંતિ એટલે જ વિચારક્રાંતિ. આવી એક શાંત ક્રાંતિની શરૂઆત ગુજરાતના ગોધરા જેવા નાના નગરમાં થઈ. એ વિચારક્રાંતિના અધ્વર્યુ મોહનદાસ કરમચંદ ગાંધી હતા. ઘટના બની સન ૧૯૧૭માં. ક્રાંતિની વાર્તા સાંભળવા જેવી છે.
કોંગ્રેસના અધિવેશનો બાદ કરતાં આટલા બધા મહાનુભવો ભાગ્યે જ કોઈ નાના નગરમાં એકઠા થયા હશે. સન ૧૯૧૭માં રશિયન ક્રાંતિ થઈ, એ જ અરસામાં ગોધરામાં પ્રથમ રાજકીય પરિષદ ભરાઈ. એમાં લોકમાન્ય ટિળક, મહંમદઅલી ઝીણા, વિઠ્ઠલભાઈ પટેલ, આચાર્ય કૃપાલાની અને વલ્લભભાઈ પટેલ હતા. ગાંધીજી પરિષદના પ્રમુખ હતા. તેઓ હજી ‘મહાત્મા’ તરીકે બહુ જાણીતા થયા ન હતા.
ગાંધીજીનો આગ્રહ હતો કે પરિષદનું કામ હિંદી કે બીજી ભારતીય ભાષામાં ચાલે, પણ અંગ્રેજીમાં તો ન જ ચાલવું જોઈએ. માનવામાં ન આવે તેવી વાત છે. મહંમદઅલી ઝીણાએ જિંદગીમાં પહેલી વાર અને છેલ્લી વાર ગુજરાતીમાં ભાષણ ગોધરામાં કર્યું. પરિષદમાં એક સ્વાગત ગીત રાષ્ટ્રવાદી ઝીણા માટે ગવાયું હતું :
આવો ભાઈ ઝીણા,
પધારો ભાઈ ઝીણા,
રામ રહિમન એક જાણતા,
પધારો ભાઈ ઝીણા.
ટિળક મહારાજ મરાઠીમાં બોલ્યા, પરંતુ ઠરાવનો મુસદ્દો એમણે ગુજરાતીમાં વાંચેલો. મરાઠીમાં તેમણે કહ્યું : ‘ગાંધીજીની દાંડી પિટાઈ છે કે અંગ્રેજીમાં બોલવું નહીં. હું ગુજરાતી સમજું છું, પણ બોલી શકતો નથી તેથી મરાઠીમાં બોલું છું.’
ગાંધીજી કાર્યક્રમમાં એક મિનિટ પણ મોડું થાય તે સહન કરતા નહીં. તેથી ઊલટું, લોકો ગવર્નરોને પણ ન આપે તેવું માન આગેવાનોને આપે છે તેવું અંગ્રેજ સરકારને બતાવવા ટિળક મહારાજ લોકોની ઠઠ જામે તે પછી જ, થોડા મોડા સભામાં આવતા. તે દિવસે પણ એમને આવતાં પંદર મિનિટ મોડું થયું. ગાંધીજીએ તરત જાહેરમાં ટોણો માર્યો : ‘ટિળક મહારાજ પંદર મિનિટ મોડા આવ્યા છે તેથી સ્વરાજ પણ પંદર મિનિટ મોડું મળશે.’
આ પરિષદનું વર્ણન સદ્‍ગત મામાસાહેબ ફડકેએ ‘મારી જીવનકથા’માં કર્યું છે. તેઓ પુસ્તકમાં લખે છે કે ટિળક મહારાજ પોણો કલાક મોડા પડેલા એવું બધે લખેલું છે તે ખોટું છે. ‘હું એમને જોડે જ હતો. મારું જ સાચું છે.’ (સાર એટલો કે ટિળક મહારાજ પંદર મિનિટ મોડા પડ્યા હતા, પણ મોડા જરૂર પડ્યા હતા.) ગાંધીજીએ અનેક માનવપુષ્પો ઉગાડ્યાં, તેમાં એક સુગંધીદાર પુષ્પ તે મામાસાહેબ ફડકે. મામાસાહેબ લખે છે કે, મહાદેવભાઈ પણ પરિષદમાં આવેલા. ત્યાંથી જ તેઓ ગાંધીજી સાથે ચંપારણ ગયેલા. ત્રીજે દિવસે સામાજિક પરિષદ થઈ. અસ્પૃશ્યતા નિવારણના ઠરાવ પર ગાંધીજી ફક્ત એટલું જ બોલ્યા કે : ‘અસ્પૂશ્યતા નિવારણની બાબતમાં મારાથી જે કંઈ થોડું થાય તે કર્યા કરું છું. મારા વિગતવાર વિચારો જેને જાણવા હોય તે સાંજે ભંગીવાસમાં હું જવાનો છું ત્યાં સાંભળવા આવે.’ (હરિજન શબ્દ તે વખતે પ્રચલિત થયો ન હતો.)
રાત્રે ગોધરાના ભંગીવાસમાં મોટી સભા ભરાઈ. સદ્‍ગત ઈન્દુલાલ યાજ્ઞિકે પોતાની આત્મકથામાં તેનું જે વર્ણન કરેલું છે, તે મામાસાહેબે જ લખી આપ્યું હતું. દલિત ભાઈઓએ તોરણો બાંધીને અને અનેક કમાનોથી દરવાજા રચીને રસ્તો શણગારેલો. જોતજોતામાં હજારો લોકોની ઠઠ જામી ગઈ. ‘આવું દ્રશ્ય તો ગુજરાતમાં પહેલી જ વાર જોવામાં આવ્યું કે જ્યાં શેઠિયાઓ, વકીલો, વેપારીઓ અને એવા બીજા ગૃહસ્થો દલિત લોકોની એક સભામાં હળીમળીને ભેગા થયા.’
મામાસાહેબના શબ્દોમાં વાત આગળ ચાલે છે : ખરી મૂંઝવણ તો સર્વેના યજમાન બનેલા દલિતોની થઈ. મોટા માણસો તેમના વાસમાં પધારે, તેમના માનમાં તેમણે ઝૂંપડાં અને આંગણાં વાળીઝૂડીને સાફ કરેલાં અને આખો વાસ ધજા-તોરણોથી શણગારેલો. ‘મહેમાનોને આવવાનો વખત થયો તેમ તેમના દિલમાં ગભરામણ થવા લાગી. આવા બ્રાહ્મણ–વાણિયા આપણે ઘેર ભલે આવે, પણ આપણાથી કંઈ તેમને અડકાય ? અંદર અંદર ચર્ચા કર્યા પછી હજારો વરસના એ ગુલામોએ ઠરાવ્યું કે ઊંચી વરણના લોક આવે તે પહેલાં બધાએ પોતપોતાના છાપરે ચડી જવું અને ગાંધી મહાત્માનું ભાષણ ત્યાં બેસી સાંભળવું.’ ઠક્કરબાપા પહેલા આવીને વાસમાં ફરવા લાગ્યા. પણ ભંગી આગેવાનો નજરે ન પડ્યા. એમણે ઊંચે નજર કરી તો બધા ભંગીઓને સ્ત્રી-બાળકો સમેત છાપરાં પર ચડેલાં જોઈને ચકિત થઈ ગયા. બાપા હારે તેવા નહોતા. તેમની આંખમાં અમી હતાં. દર્દભરી વાણીમાં તેમણે ભંગીઓને નીચે ઊતરવા અરજ કરી. છેવટે બાપા સફળ થયા અને સભા ચાલી.
ગાંધીજીએ પોતાના ભાષણમાં કહ્યું : ‘નરસિંહ મહેતાએ ગાયું છે કે પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર ! એટલે અહીં પરમ દિવસથી જે રાજકીય પરિષદ થઈ તેમાં પરમેશ્વર હતા કે નહીં એ કહી શકાય નહીં, પણ આ પરિષદમાં (સભામાં) ચોક્કસ એની હાજરી છે જ.’
ગોધરાની રાજકીય પરિષદ પૂરી થઈ તે રાત્રે પરિષદના મંડપમાં જ ‘હોમરૂલ’ પ્રચારની એક જાહેરસભા થઈ. ટિળક મહારાજનું ભાષણ એમની રીત પ્રમાણે ટૂંકા ટૂંકા, સહેલાં સહેલાં વાક્યોનું બનેલું હતું. તેનું ગુજરાતી કરવા માટે એમના જ મિત્ર ખાપર્ડેસાહેબ ઊભા થયા. બીજે દિવસે મામાસાહેબે ખાપર્ડેસાહેબને પૂછ્યું : ‘આવું ગુજરાતી તમે ક્યાંથી શીખ્યા ?’ જવાબમાં ખાપર્ડસાહેબે કહ્યું : ‘તું જાણતો નથી, મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં હું અને તમારા નર્મદાશંકર કવિ સાથે ભણતા હતા, ત્યાં અમે નાટકો ભજવતા.’ ટૂંકમાં ખાપર્ડેસાહેબ વીર નર્મદના સહાધ્યાયી હતા. આવી rare માહિતી મામાસાહેબ ફડકેના પુસ્તકમાંથી જાણવા મળી.
ઈતિહાસનું એક યાદગાર પાનું ગોધરામાં લખાયું. પરિષદ ભરાઈ ત્યારે દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા, તેને માંડ બે વર્ષ થયાં હતાં. એ દિવસોમાં રાજકીય પરિષદ ભરાય તે છેક નવી વાત ન હતી. વળી ભંગીવાસમાં સભા થાય અને ત્યાં આ બધા મહાનુભાવો ભેગા હાજર રહે, એ તો લગભગ ક્રાંતિ હતી. આફ્રિકામાં ‘ગાંધીભાઈ’ તરીકે સત્યાગ્રહનું શસ્ત્ર શોધીને ૧૯૧૫માં દેશ પાછા ફરેલા મોહનદાસ કરમચંદ ગાંધીએ શરૂઆતથી જ હરિજનોની અવદશા પર કેટલી સક્રિય સંવેદનશીલતા બતાવી હતી, તે નોંધવા જેવું છે. માત્ર પંદર મિનિટ જુદી કાઢીને ગાંધીજીની ‘આત્મકથા’ની પ્રસ્તાવના વાંચવાની ભલામણ છે. ગુજરાતી ગદ્યની તાકાત એમાં અનુભવવા મળશે. કદાચ આંખ ભીની થશે. આંખ માણસને બહારનું જોવા મળી છે, પરંતુ એ જ્યારે ભીની થાય ત્યારે માણસ પોતાની ભીતર જોઈ શકે છે.
* * *
લોકોમાં છાપ તો એવી છે કે પાકિસ્તાનના પ્રણેતા મહમંદઅલી ઝીણા અત્યંત અકડુ, અતડા અને અભિમાની માણસ હતા. આવી છાપ સાવ ખોટી ન હતી અને માટે ઝીણાસાહેબ પણ ઓછા જવાબદાર ન હતા. ચોમાસામાં ડામરની સડકમાં પડેલી ફાટમાંથી પણ લીલું તૃણ ડોકું બહાર કાઢતું હોય છે. ગમે તેવો પથ્થરદિલ આદમી પણ કોઈ વિચિત્ર ક્ષણે દ્રવી જતો હોય છે. ઝીણા મતીલા, તંતીલા અને ખંતીલા માણસ હતા, પણ પથ્થરદિલ ન હતા.
દેશના ભાગલા તો થઈ ગયા. લિયોનાર્દ મોસ્લેની વાત સાવ સાચી હતી કે પાકિસ્તાનનું સર્જન લગભગ એક માણસની પ્રાપ્તિ (one-man achievement) ગણી શકાય. ભાગલાને પરિણામે બંને દેશોમાં લોહી અને આંસુ સાથોસાથ વહ્યાં. પાકિસ્તાન થયું ત્યારે એક હિંદુ પત્રકારે ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. એ પત્રકારનું નામ એમ.એસ.શર્મા હતું. ઝીણાએ શર્માને કહેલું કે પોતે લઘુમતીનું રક્ષણા કરનાર છે. શર્માએ નોંધ્યું છે કે પાકિસ્તાન છોડીને ભારત જવા તૈયાર થયેલા હિંદુઓની અત્યંત કરુણ હાલત જોઈને ઝીણાની આંખમાં આંસુ વહેલાં. શર્મા આગળ જઈને ત્યાં સુધી કહે છે કે ભાગલા પછીની પરિસ્થિતિમાં ગાંધીજી અંગેના ઝીણાના વિચારમાં પણ થોડો ફેરફાર થયેલો. લીગ કાઉન્સિલના સભ્યોને ઝીણાએ એક પ્રસંગ કહેલું : ‘મિસ્ટર ગાંધી મુસ્લિમોના સાચા મિત્ર છે અને હિંદુસ્તાનના મુસ્લિમોએ એમને પૂરેપૂરો સાથ આપવો જોઈએ.’
રેડક્લિફ દ્વારા અખંડ ભારતના નકશા પર દોરાયેલી એક પાતળી લીટીને કારણે સરહદની બંને બાજુએ જે આંતરવિગ્રહ શરૂ થઈ ગયો અને લાશના ઢગલા ખડકાયા તેનાથી ઝીણા ખૂબ જ વ્યથિત થયેલા. કલ્પનામાં પણ ન આવે તેવી યાતનાનો દોર શરૂ થઈ ગયો. એમની યાતના નજરે જોનારી સૌથી નજીકની વ્યક્તિ એમની બહેન ફાતિમા હતી. વર્ડઝવર્થની બહેન ડોરોથીની માફક ફાતિમા એના ભાઈની વહાલી બહેનડી હતી. ફાતિમાએ ‘My Brother’ પુસ્તકમાં ઝીણાની દારુણ મનોદશાનું વર્ણન આવા શબ્દોમાં કર્યું છે : વિજયની પળે પણ કાયદેઆઝમ માંદગીમાં સપડાયા હતા. હું એમને શોક અને પીડા સાથે જોતી રહી. એમની ભૂખ લગભગ ખતમ થઈ ગઈ હતી. એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બધી બાબતો સાથે સરહદની બંને બાજુએથી કત્લેઆમ, બળાત્કાર, આગ અને લૂંટના બનાવોના હૈયું કંપાવનારા હેવાલો ઠલવાયે જ જતા હતા. તેઓ નાસ્તો કરતી વખતે મારી સાથે આ બનાવોની ચર્ચા કરીને પોતાના દિવસની શરૂઆત કરતા અને એમનો રૂમાલ છાનોમાનો એમની ભીની થયેલી આંખો પર પહોંચી જતો.
એક પ્રશ્ન ઊઠે કે : શું ઝીણા ફક્ત મુસ્લિમોની અવદશા પર આંસુ સારી રહ્યા હતા ? આ પ્રશ્નનો જવાબ જાણવા જેવો છે. ભાગલા થયા તે વખતે કરાચીના મેયરપદે ઝીણાના મિત્ર અને પ્રશંક એવા પારસી સજ્જન જમશેદ નસરવાનજી વિરાજમાન હતા. જમશેદજીએ (બોલિથોને) કહેલા શબ્દોમાં ઝીણાસાહેબની મનોદશાનો ખ્યાલ આવી જાય છે : હું તમને મારી વાત માનવાની અરજ કરું છું અને કહું છું કે ઝીણા માનવતાવાદી હતા. તેઓ આંસુ સારવામાં ઉદાર ન હતા ; ના ભાઈ ના ! પણ મેં એમને બે વખત રડતા જોયા. એક પ્રસંગે ભાગલા પછી ૧૯૪૮ના જાન્યુઆરીમાં હું એમની સાથે પાકિસ્તાનમાં રહેલા હિંદુઓની છાવણીમાં ગયેલો. જ્યારે એમણે એ હિંદુઓની કરુણ હાલત જોઈ ત્યારે તેઓ રડી પડ્યા. મેં એમના ગાલ પર અશ્રુબિંદુઓ જોયાં.
ઝીણાસાહેબ લાગણીવશ બનીને આંસુ સારે એ નજરે જોનારા બીજા બે મહાનુભાવોની વાતો જાણવા જેવી છે. હૈદરાબાદના નિઝામના ભૂતપૂર્વ વડા પ્રધાન લાઈક અલી, ઝીણાના અનુયાયી હતા. તેઓ કહે છે : ‘મારા જીવનમાં મેં ક્યારેય મિસ્ટર ઝીણાને લાગણીવશ થયેલા જોયા ન હતા, સિવાય કે તે દિવસે જ્યારે એમણે મને પૂછ્યું : ‘તમે એરપોર્ટથી કારમાં જતી વખતે નિરાશ્રિતોને જોયા ?’ મેં તો અલબત્ત જોયેલા જ ! એ વખતે સામૂહિક યાતનાઓની વાતો કરતી વખતે અનેક વાર એમના ગાલ પરથી આંસુ સરી પડ્યાં, તે મેં જોયાં.’
માર્ગારેટ બોકે વ્હાઈટ અમેરિકાના ‘Life Magazine’ ની વિખ્યાત રિપોર્ટર હતી. ભાગલા પછીનાં કરુણ દ્રશ્યોના એણે લીધેલા ફોટોગ્રાફ ઐતિહાસિક ગણાયા છે. એ સ્ત્રી ઝીણાની બહેન ફાતિમા સાથે ગાઢ સંપર્ક ધરાવતી હતી. ભાગલા થયા તેના ત્રણ મહિના બાદ ઝીણાસાહેબની તસવીરો ઝડપી લેવાને તક એને મળેલી. તસવીરો લેતી વખતે ફાતિમાએ એને ઝીણાની નજીક ક્લોઝઅપ તસવીરો ન લેવાનું કહી રાખેલું. માર્ગારેટ કહે છે : ‘ફાતિમાએ શા માટે કહ્યું, તે મને સમજાઈ ગયું. જાણે એમને એક પ્રકારની આધ્યાત્મિક ખાલી ચડી ગઈ હોય અને એની પાછળ લગભગ ગભરાટ છુપાયો હોય એમ લાગતું હતું. હું તસવીરો લેતી ગઈ ત્યારે દરેક વખતે ફાતિમા ભાઈ પાસે જતી અને હાથ પકડીને એમની બંધ મુઠ્ઠીઓને ખોલી નાખવાનું કામ કરતી. ઝીણાના ચહેરા પર યાતનાની ઝાંય અંગે મેં ઘણું વિચાર્યું. જીવનના છેલ્લા મહિનાઓ દરમિયાન તેઓ પોતાનું સરવૈયું તપાસી રહ્યા હતા ! પ્રખર બુદ્ધિશાળી અને પૃથક્કરણ કરવાની શક્તિ ધરાવતા હોવાને કારણે એમને ખબર હતી કે પોતે શું કર્યું છે.’
મૃત્યુ સાવ નજીક આવીને ઊભું હતું. એમને ક્ષય તો ઘણા વખતથી હતો જ, પરંતુ પાછળથી એમનાં ફેફસામાં કેન્સર પણ પ્રસરી રહ્યું હતું. તેઓ પોતાની માનસિક યાતના કોઈની આગળ પ્રગટ કરી શકતા ન હતા. એટલું ચોક્કસ કે માનસિક યાતનાનું મુખ્ય કારણ તો ભાગલા અને ભાગલા પછીની દારુણ ઘટનાઓ જ ગણાવી શકાય.
આવી બધી વાતોના ભંડાર જેવું પુસ્તક ‘મહમંદઅલી ઝીણા એન્ડ ધ ક્રીએશન ઓફ પાકિસ્તાન’ વાંચવા જેવું છે. એના લેખક શૈલેશકુમાર બંદોપાધ્યાય ગાંધીભક્ત સાહિત્યકાર છે. તેઓ દિલ્હીમાં રાજઘાટ પર આવેલા ગાંધી સ્મારક નિધિમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને બંગાળી સાહિત્યકાર છે. ઈતિહાસ કોઈની શરમ નથી રાખતો. ભારતના ભાગલા માટે ઘણાં પરિબળો જવાબદાર હતાં, છતાંય કોઈ રહસ્યમય રીતે એ પરિબળો ઝીણાની આસપાસ ટેકામાં ઊભાં રહી ગયાં. વડા પ્રધાન વાજપેયી બસમાં બેસીને લાહોર ગયા તે તો એક સંકેત હતો. માનવજાત સંકેતો (સિમ્બોલ્સ)ને આધારે જીવતી આવી છે. ૐ એક સંકેત છે. ચાંદ-તારા પણ સંકેત છે. રાષ્ટ્રધ્વજ પણ સંકેત છે. દાંડીકૂચ પણ સંકેતની તાકાત બતાવનારી યાત્રા હતી. કુતુબમિનારથી તે મિનાર-એ-પાકિસ્તાન સુધીની ઘટનાઓને પણ સંકેત તરીકે લેવી રહી. લગભગ પોણી સદીનો ઈતિહાસ લઈને એક બસ અમૃતસરથી ઊપડી હતી અને સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી હતી. એ કેવળ બસયાત્રા ન હતી, પણ ઊર્મિઓની રથયાત્રા હતી.
પુસ્તક વાંચી લીધા પછી એક લાગણી મનનો કબજો લઈ બેઠી. કાશ ! ઝીણા એકાદ વર્ષ વધારે જીવ્યા હોત તો ! તો કદાચ એમનો ભ્રમ ભાંગી ગયો હોત અને એમના મુખમાંથી થોડાક ઉદ્‍ગારો નીકળી પડ્યા હોત ; જેનો અર્થ હિંદુસ્તાનના મુસલમાનોને વધારે સ્પર્શી ગયો હોત.
સરોજિની નાયડુએ મહમંદઅલી ઝીણાને ‘હિંદુ-મુસ્લિમ એકતાના એલચી’ તરીકે બિરદાવેલા. ગોપાળકૃષ્ણ ગોખલે જેવા નેતા ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના સૌથી મોટા વકીલ તરીકે ઓળખાવતા. વળી ઝીણાને પણ ગોખલે અને ટિળક જેવા નેતાઓ પ્રત્યે ખૂબ જ ઊંચો આદર હતો. ટિળક પર કોર્ટમાં અંગ્રેજ સરકારે રાજદ્રોહનો આક્ષેપ મૂકીને ખટલો ચલાવ્યો ત્યારે બચાવપક્ષના વકીલ ઝીણા હતા. એવું તે શું બન્યું કે મૂળે રાષ્ટ્રવાદી અને સેક્યુલર એવા ઝીણા ૧૯૪૦માં ભરાયેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં બે રાષ્ટ્રના સિદ્ધાંતના હિમાયતી બની ગયા ? ક્યારેક ઈતિહાસ પણ ખલનાયકની માફક અટ્ટહાસ્ય કરતો જણાય છે. પાકિસ્તાનની રચના આવા અટ્ટહાસ્યનું પરિણામ છે.
ઝીણાના અંગત નોકરનું નામ ભગવાન ધોન્ડે હતું. ઝીણા એના પર બધી વાતે આધાર રાખતા. ૧૯૪૨ના અરસામાં કરાચીના એક હિંદુ પરિવાર સાથેની ઓળખાણને કારણે પોતાના અંગત સેક્રેટરી તરીકે વસંત કૃપાલાનીને નોકરીએ રાખેલો. વસંત કૃપાલાનીએ એક કિસ્સો નોંધ્યો છે, જેમાં કરાચીના એક હિંદુ વેપારીના દીકરાને લશ્કરી ઓફિસરો લાંચ ન આપવાને કારણે પજવતા હતા. ઝીણા એ યુવાનનો બચાવ કરતાં કોર્ટમાં ગયેલા અને કેસ લડેલા. એક સમય એવો હતો જ્યારે એમને દાદાભાઈ નવરોજી અને ફિરોઝશા મહેતાના શિષ્ય ગણવામાં આવતા. શ્રીમતી ઝીણાનું અવસાન થયું ત્યારે એમના અંતિમ સંસ્કાર વખતે હાજર એવા શ્રી એમ.સી.ચાગલાએ ઝીણાસાહેબની આંખમાંથી સરી પડેલાં આંસુ જોયેલાં.
ઝીણાની છાપ લાગણીવિહોણા માણસ તરીકેની છે, પરંતુ વાસ્તવિકતા જરા જુદી છે. ઝીણાના અંગત મિત્રો ઓછા હતા, પણ તે મિત્રોને ખરા ઝીણા જોવા મળેલા. ઝીણાને એક અંગત હિંદુ મિત્ર હતો. પરિવારના સંબંધે બંધાયેલા એ મિત્રનું નામ કાનજી દ્વારકાદાસ હતું. આ મિત્ર ઝીણાનો વિશ્વાસુ હતો એની પ્રતીતિ થાય તે માટે બે પ્રસંગો પ્રસ્તુત છે. આ હકીકત શૈલેશકુમાર બંદોપાધ્યાય જેવા ગાંધીવાદીએ પોતાના પુસ્તક : ‘મહમંદઅલી ઝીણા એન્ડ ક્રીએશન ઓફ પાકિસ્તાન’માં રજૂ કરી છે. ઝીણાનું માનસ સમજવા માટે એમને ન્યાય આપવા માટે આ પુસ્તક વાંચવા જેવું છે :
સન ૧૯૪૪માં ઓગસ્ટ-સપ્ટેમ્બરના ગાળામાં ગાંધીજી અને ઝીણા મુંબઈના માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર ઝીણાના નિવાસસ્થાને ૧૪ વખત મળ્યા અને બંને વચ્ચે ૨૪ પત્રો લખાયા. વાટાઘાટ શરૂ થાય તે પહેલાં કરેલા નિવેદનમાં ઝીણાએ જીવનમાં છેલ્લી વાર ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધેલા : ‘મને અને મહાત્મા ગાંધીને તમારા આશીર્વાદ આપો, જેથી અમે કોઈ સમાધાન પર આવી શકીએ.’ એ પહેલાં રાજાજીએ ભાગલાનો સ્વીકાર કરતી એક ફોર્મ્યુલા રજૂ કરી હતી. વાટાઘાટો નિષ્ફળ ગઈ તોય ઝીણાએ તે અંગે જાહેરમાં કોઈ કટુતા પ્રગટ ન કરી. વાટાઘાટ સફળ ન થઈ ત્યારે એમણે પોતાના પરિવારના ખાસ મિત્ર કાનજી દ્વારકાદાસ આગળ પોતાની હૈયાવરાળ ઠાલવેલી. ૧૭મી ઓક્ટોબર ૧૯૪૪ના દિવસે અત્યંત નબળા પડી ગયેલા માંદગીવશ ઝીણાએ મિત્રને કહ્યું : ‘જો મારી વાત માનવાના જ ન હતા તો પછી ગાંધી મને મળવા શા માટે આવ્યા ?’ કાનજીભાઈએ વાત આગળ ચલાવી અને પૂછ્યું : ‘શું તમને એવું લાગે છે કે ગાંધીએ તમને કફોડી પરિસ્થિતિમાં મૂકવા માટે અને લોકોમાં ખોટી છાપ પડે તે માટે જ વાટાઘાટો કરી હતી ?’ તરત જ ઝીણાએ સ્પષ્ટતા કરેલી : ‘ના, ના. ગાંધી મારી સાથે ખૂબ જ નિખાલસ બન્યા અને અમારી વચ્ચે ઘણી સારી વાતો થયેલી.’
બીજો પ્રસંગ વળી વધારે રસપ્રદ છે. ૧૯૪૬ના ડિસેમ્બરની ત્રીજીથી છઠ્ઠી દરમિયાન બે પક્ષો વચ્ચે એકમતી થાય તેવા રાજકીય ઉદ્દેશથી અંગ્રેજ સરકારે ચાર મહાનુભવોને ઈંગ્લેન્ડ આમંત્રેલા. એ ચાર હતા : ઝીણા, લિયાકતઅલી ખાન, પંડિત નેહરુ અને બલદેવ સિંહ. મંત્રણાઓ થઈ, પરંતુ પરસ્પર વિશ્વાસનો અભાવ હતો તેથી ખાસ કશું પરિણામ આવ્યું નહીં. નેહરુ અને બલદેવ સિંહ દેશ પાછા ફર્યા. ઝીણા અને લિયાકત થોડુંક વધારે રોકાયા. તે વખતે અમેરિકાથી પાછા ફરતી વખતે ઝીણાના સ્વજન એવા કાનજી દ્વારકાદાસ લંડનમાં રોકાયા અને ઝીણાને મળ્યા. કાનજી દ્વારકાદાસે એ મુલાકાતનું વર્ણન આવા શબ્દોમાં કર્યું છે : ‘મને તેઓ માંદા અને નિરાશ જણાયા. મેં એમને કહ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે તેની જ મને તો સમજ નથી પડતી.’ ઝીણાએ વળતો જવાબ આપ્યો : ‘દેશ ? ક્યો દેશ ? હવે તો માત્ર હિંદુઓ છે અને મુસલમાનો છે.’
કાનજી દ્વારકાદાસ આગળ જણાવે છે : ‘મને સમજાયું કે ઝીણા પાકિસ્તાનની રચના થાય તે સિવાયનું કોઈ સમાધાન કરવા તૈયાર નથી. એમણે તકરાર ચાલુ રાખવી હતી, કારણ કે કોંગ્રેસના નેતાઓએ એમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મેં ઝીણાને સમજાવ્યું કે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ સરકારની બહાર પોતાની તકરાર ચાલુ રાખી શકે છે, પરંતુ શું એ જરૂરી નથી કે તેઓ સરકારમાં સાથે કામ કરે અને દેશ માટે શક્ય તેટલું બધું જ કરી છૂટે ?’ ઝીણાએ જવાબમાં કહ્યું : ‘તમે શું કહેવા માગો છો ? એ શી રીતે શક્ય બને ? શું તમે એમ કહેવા માગો છો કે હું અને તમે આ ઓરડામાં ચુંબન કરીએ અને ઓરડાની બહાર જઈને એકબીજાનાં પેટમાં ચપ્પુ ખોસી દઈએ ?’ કાનજી દ્વારકાદાસ મિત્ર ઝીણાનો બચાવ કરતાં આગળ જણાવે છે : ‘મને એવું લાગ્યું કે જો કોંગ્રેસના નેતાઓએ અંગત સંબંધો તોડી નાખીને ઝીણા સાથેનો છેડો ફાડી નાખ્યો ન હોત તો તેઓ (ઝીણા) આટલા કડવા બની ગયા ન હોત. એમનું સ્વાભિમાન અને સ્વમાન હણાયું હતું અને એમની આસપાસ એમણે અવિશ્વાસની ભૂતાવળો સર્જી દીધી હતી.’ (પાન ૨૯૬)
ઈતિહાસનું અટ્‍હાસ્ય ભારતના ભાગલા દરમિયાન પ્રગટ થયું. પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બે-રાષ્ટ્રના સિદ્ધાંતનો ઉલાળિયો થઈ ગયો. ભાગલા ધર્મ અને કોમના આધારે થયા. બાંગ્લાદેશ પહેલાંના ઇસ્ટ પાકિસ્તાનના મુસલમાનો માટે પાકિસ્તાનમાં હળવા ધિક્કારની લાગણી પ્રવર્તતી હતી. પાકિસ્તાનના એક અધિકારીએ બંગાળી મુસલમાનોને ‘કાળિઆ લોકો અને વાંદરાની દાઢી ધરાવનારા’ તરીકે વર્ણવેલા. તાહિરા મજહરઅલી પંજાબી નેતા પર સિકંદર હયાત ખાનની દીકરી હતી. તે એક બનાવ નોંધે છે. પંજાબી સુખી મુસલમાનોની ખાનદાન ગણાતી ફેસનેબલ સ્ત્રીઓ એક સરકારી કાર્યક્ર્મ દરમિયાન અંદર અંદર વાતો કરી રહી હતી. વાતવાતમાં તાહિરાના કાને શબ્દો અથડાયા : ‘બંગાળની સ્ત્રીઓ પર અમારા સૈનિકો બળાત્કાર કરે તેથી શું બગડી ગયું ? કંઈ નહીં તો એ લોકોની આવતી પેઢી રૂપાળી તો દેખાશે !’
ધરમમાં ખાસ શ્રદ્ધા ન ધરાવનારા, મસ્જિદમાં ન જનારા, સુવ્વરનું માંસ ખાનારા અને શરાબ પીનારા ઝીણાએ ઈસ્લામને નામે પાકિસ્તાન તો મેળવ્યું. તેઓની આંખમાં ભાગલા પછીની યાતનાઓને કારણે આંસુ તો ઊભરાયાં, પરંતુ આંસુ મોડાં પડ્યાં. બાકી, ભ્રમ ભાંગી જાય અને ભોંયભેગો થાય તોય ‘તંગડી ઊંચી રાખે’ તેવા મિયાં તેઓ ન હતા.
મનુષ્યની પર્સનાલિટી એક એવું પોટલું છે, જે ખોલવામાં આવે તો એમાંથી એવી એવી ચીજો નીકળે, જે કહેવાતા પ્રશંસાકો કે મિત્રોને પણ આશ્ચર્યમાં નાખી દેનારી હોય. મહંમદઅલી ઝીણા આ બાબતે અપવાદ ન ગણાય. કેટલીક વાતો એવી છે, જ્યારે એ મહાન જણાય. કેટલીક વખતે એ સાવ ઝીણા જણાય. જસવંત સિંહનું પુસ્તક વાંચ્યું નથી, પરંતુ એ વાંચવા આતુર છું, એના પર ગુજરાતની સરકારે પ્રતિબંધ મૂક્યો એ વાત સદંતર ટીકાપાત્ર છે. જિહાદી હિંદુત્વ બેડોળ છે. પરિશુદ્ધ હિંદુત્વ રળિયામણું છે. જસવંત સિંહને ગુનેગાર ગણતો નથી. પવનની પોટલી ન બંધાય. વિચારને સરહદ ન નડે.
ઝીણાસાહેબને મુસલમાન કહેવા એ તો દાઉદ ઈબ્રાહિમને સૂફી ફકીર કહેવા બરાબર છે. એ સુવ્વરનું માંસ (પોર્ક) ખાતા હતા, શરાબ પીતા હતા, મસ્જિદમાં નમાજ પઢવા જતા નહોતા, રોજા રાખતા નહોતા, હજ કરવા ગયા નહોતા, કુરાન કદી વાંચતા નહોતા અને સ્ત્રીઓ બુરખો પહેરે એમાં માનતા નહોતા. આવો માણસ અખિલ ભારતના મુસલમાનો માટે જુદો દેશ માગે અને મેળવે એમાં ઈતિહાસનું અટ્ટહાસ્ય સંભળાય છે.
ઝીણા વિશે સૌથી સુંદર પુસ્તક કોણે લખ્યું ? નખશિખ ગાંધીભક્ત એવા શૈલેશ બંદોપાધ્યાયનું ‘મહંમદઅલી ઝીણા એન્ડ ક્રીએશન ઓફ પાકિસ્તાન’ અત્યારે મારા હાથમાં છે. મારે શૈલેશજી સાથે ટૂંકો પત્રવ્યવહાર પણ થયો છે. આ પુસ્તક અમારા બંનેના કોમન મિત્ર એવા (રાજકોટના) ગાંધીજન સદ્ગત રતિભાઈ ગોંધિયાએ મને ભેટ મોકલાવેલું. ઝીણા લગભગ ૧૯૪૦ સુધી ખાસ્સા રાષ્ટ્રવાદી હતા. ૧૯૪૦માં ભરાયેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં એ બે અલગ રાષ્ટ્રના હિમાયતી બની ગયા.
૧૯૪૨ના અરસામાં કરાચીના એક હિંદુ પરિવાર સાથેની ઓળખાણને કારણે ઝીણાએ પોતાના અંગત સેક્રેટરી તરીકે વસંત કૃપાલાનીને નોકરીએ રાખેલો. ઝીણાના ખાસ મિત્રનું નામ કાનજી દ્વારકાદાસ હતું. કાનજી દ્વારકાદાસ મુંબઈમાં રહે છે અને મારી સાથે મધુર સંબંધ જાળવે છે. એમણે મને કાનજીભાઈ લખેલું એક અંગ્રેજી પુસ્તક પણ આપ્યું છે. કાનજીભાઈ શ્રીમતી એની બેસન્ટના અંગત પરિચયમાં હતા. ઝીણાને સમજવા સહેલા નથી. એમની પર્સનાલિટીમાં આંતરવિરોધ એટલો તગડો હતો કે ભલભલા ગોથું ખાઈ જાય તો એ ક્ષમ્ય છે. પુસ્તક લખવું એ ગુનો નથી.પ્રામાણિકપણે પોતાનું અર્થઘટન પ્રગટ કરવું એ પણ ગુનો નથી. જસવંત સિંહ ગોથું ખાય એમાં પણ વાંક ઝીણાનો છે. જુદે જુદે સમયે એ જુદા જુદા દેખાયા છે. Consistenty was never his strong point. એ દાનવ નહોતા, માનવ હતા અને માનવીય મર્યાદાઓથી છલોછલ ભરેલા હતા. નેહરુ-સરદારને ભાગલા માટે જવાબદાર ઠેરવવામાં ભારે ઉતાવળ થતી જણાય છે. ઝીણા અકડુ હતા. ગાંધીજીએ ભલાઈનો અતિરેક કર્યો હતો.
પાકિસ્તાનની બંધારણ સભામાં ઝીણાએ જે પ્રથમ પ્રવચન (૧૧ ઓગસ્ટ,૧૯૪૭) કર્યું એમાં કહ્યું હતું : ‘હિંદુઓ હિંદુ મટી જશે અને મુસલમાનો મુસલમાન મટી જશે, પણ એ ધાર્મિક અર્થમાં એ રાજ્યના નાગરિક હશે.’ લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાન ગયા ત્યારે એમણે ત્યાંના શાસકોને આ બાબતની યાદ અપાવી એમાં કશુંય ખોટું નહોતું. જિહાદીપણું કેવળ ઈસ્લામનો ઈજારો નથી. ઝીણાસાહેબ જો સદેહે પૃથ્વી પર આવે તો કોઈકે એમને પૂછ્યું હોત : જો તમે આટલા સેક્યુલર હતા તો પછી પાકિસ્તાન માગ્યું શા માટે ?
મહાત્મા ગાંધીની હદ બહારની ઉદારતાને પણ સમજી ન શક્યા એવા ઝીણાસાહેબમાં કશુંક એવું તત્વ પડેલું હતું, જે નોર્મલ મનુષ્યતા અપનાવવામાં પણ આડે આવતું હતું.
આશિષ નાંદીએ પોતાના એક લેખ (‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ૨૯-૮-૨૦૦૯)માં એક પ્રશ્ન ઉઠાવ્યો છે. ઝીણાએ બે જુદા રાષ્ટ્રોની વાત કરી તેના પહેલાં વી.ડી.સાવરકરે બે જુદા રાષ્ટ્રોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાવરકરે કહેલું : I have no quarrel with Mr. jinnah’s two-nation theory. We Hindus are a nation by ourselves and it is a historical fact that Hindus and Muslims are two nations.’
સેક્યુલર કર્મશીલો પણ આ શબ્દોને ટાંકીને ઝીણાને બદલે સાવરકરનો દોષ કાઢે છે. આ દલીલમાં દમ છે, પરંતુ યાદ રાખવા જેવું છે કે સ્વરાજ મળ્યું તે પહેલાંના વર્ષોમાં ગાંધી-સરદાર-નહેરુ જેવા મહાનુભાવોનો પ્રભાવ ભારતના લોકમાનસ પર એટલો અસરકારક હતો કે સાવરકરના આવા શબ્દો ‘ભાગલા માટે જવાબદાર ગણાય’ એમ કહેવું વાજબી નથી. સાવરકર નિષ્ઠાવંત નાસ્તિક હતા અને હરિજનો સાથે બેસીને જમવામાં માનનારા હતા, પરંતુ એમનો અવાજ ઝીણાસાહેબની સરખામણીમાં સાવ જ બિનઅસરકારક હતો. બ્રિટિશ લોકો ભાગલા પાડવામાં ઉસ્તાદ હતા. તેમણે સાઇપ્રસ, આર્યલેન્ડ, પેલેસ્ટાઈન અને ભારતના ભાગલા સર્જવામાં ગંદી ભૂમિકા ભજવી હતી.
ઈતિહાસ કોઈની શરમ નથી રાખતો. ભાગલાનાં બીજ સૌ પ્રથમ કોણે વાવ્યાં ? કેટલાક ગાંધીજનો એ માટે વીર સાવરકરનો દોષ કાઢે છે, પરંતુ હકીકત જરા જુદી છે. હકીકત એ છે કે ભાગલાનાં બીજ ગાંધીજીના જન્મ પહેલા વવાઈ ચૂક્યાં હતાં. એ કાર્ય સર સૈયદ અહમદ ખાનને હાથે થયું હતું. એમનો જન્મ દિલ્હીમાં ૧૭મી ઓક્ટોબર, ૧૮૧૭માં થયો હતો. એમણે મુસ્લિમ સમાજના નવનિર્માણ માટે જે પ્રયત્નો કર્યા તેને ‘અલીગઢ ચળવળ’ કહે છે. તેઓ ગાંધીજીની જન્મસાલ (૧૮૬૮)માં ઈંગ્લેન્ડ ગયા. એમની સાથે એનો દીકરો સૈયદ મહમૂદ પણ હતો. ૨૪મી મે, ૧૮૭૪ના દિવસે એમણે અલીગઢમાં હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. સન ૧૮૭૭માં હાઈસ્કૂલમાંથી કોલેજ બની. મુસ્લિમોને આધુનિક શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સર સૈયદે કરેલું પ્રદાન અમૂલ્ય અને ઐતિહાસિક હતું.
મેં ક્યાંક લખ્યું હતું કે ગાંધીજી જન્મ્યા જ ન હોત તોય વહેલુંમોડું સ્વરાજ મળે તે શક્ય હતું, પરંતુ ઝીણા જન્મ્યા ન હોત તો પાકિસ્તાન પેદા થાય એ વાતમાં માલ નથી. કેટલાક કટ્ટરપંથી હિંદુઓની માફક હું ઝીણાસાહેબને ધિક્કારની નજરે જોનારો નથી. પાકિસ્તાનના ‘ડોન’ દૈનિક ગૃપના હમીદ હારૂન સાથે એક વાતે સંમત છું. તેઓ કહે છે : ‘The Indians demonized him, exaggerated his mistakes without going into political necessities. In Pakistan his liberal and secular beliefs were suppressed.’ (ભારતની પ્રજાએ એમને દાનવ બનાવી દીધા અને એમની ભૂલોને બહુ મોટી બનાવી દીધી. એમ કરતી વખતે રાજકીય અનિવાર્યતાઓનો ખ્યાલ ન રખાયો. પાકિસ્તાનમાં એમની ઉદારમતવાદી અને સેક્યુલર માન્યતાઓને દબાવી દેવામાં આવી એટલું જ નહીં, પરંતુ એમાં કાપકૂપ કરવામાં પણ આવી.)
પેટ્રિક ફ્રેન્ચ ‘Libery of Death’ પુસ્તકના લેખક છે, એમાં ભાગલાનો ઈતિહાસ સચવાયો છે. તેઓ લખે છે : ‘ઝીણા ભારતીય રાષ્ટ્રવાદી હતા અને છેક ૧૯૪૬ સુધી એમણે કોઈ પ્રકારનું સમવાય માળખું (federation) સ્વીકાર્યું હોત… એમને કોંગ્રેસ અને બ્રિટિશરોની અશક્તિને કારણે ઝાઝી છૂટ ન મળી.’
ભારતના ભાગલા ટાળવા માટેની બધી મથામણ ગાંધીજી, નેહરુ અને સરદાર પટેલે કરી હતી, પરંતુ ઝીણાએ ભાગલા અનિવાર્ય બનાવી દીધા હતા. ૧૯૪૬ની ૧૬મી ઓગસ્ટે ‘ડાયરેક્ટ એક્શન’ માટે નક્કી થયેલા દિવસે મુસ્લિમ લીગે જે હિંસક વૈમનસ્યનું વાતાવરણ ઊભું કર્યું તેને ભાગલા માટેના બધા દરવાજા ખૂલી ગયા હતા. નેહરુએ વિદેશી પત્રકાર માઈકલ બ્રિયરની સાથે ચર્ચા કરી ત્યારે ભાગલા કેમ સ્વીકારવા પડ્યા તેનું કારણ જણાવ્યું હતું : ‘નિર્દોષ નાગરિકો મરે અને સિવિલ વોર જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી આપત્તિ ટાળવા માટે ભાગલા સ્વીકારવા પડ્યા હતા.’ એ જ રીતે સરદાર પટેલે ૨૫ નવેમ્બર, ૧૯૪૮ને દિવસે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કરેલા પ્રવચનમાં જણાવ્યું હતું :
મને એવું લાગ્યું કે
જો ભાગલા ન સ્વીકાર્યા હોત,
તો ભારત ઘણા ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોત
અને ભારે નુકસાન થયું હોત
પછી એક નહીં, અનેક પાકિસ્તાન
ઊભાં થયાં હોત.
સરદાર અને નેહરુ વચ્ચે અનેક બાબતે મતભેદ હતા, પરંતુ ભાગલાની અનિવાર્યતા અંગે બંને એકમત હતા. આવું બન્યું તેનું કારણ ઓછા મહત્વનું ન ગણાય. મહાત્મા ગાંધી તો ક્રૂસારોહણ કરી રહ્યા હતા. તેઓ સત્યની ઉપાસનાના રનવે પરથી ટેઈક ઓફ કરી ચૂક્યા હતા. એમની ભાષા કોઈ દેવદૂતની ભાષા જેવી અલૌકિક બની ચૂકી હતી. મહાત્મા મહાત્મા રહ્યા અને ઝીણા ઝીણા જ રહ્યા !
(૪) ગાંધીજી અને ચર્ચિલ
એક બાજુ નિર્બળ અને નિર્મળ એવા મહાત્મા ગાંધી હતા, જ્યારે બીજી બાજુ બ્રિટિશ સામ્રાજ્યના માંધાતા એવા વિન્સ્ટન ચર્ચિલ હતા. મહાત્મા પાસે કેવળ આત્મબળ હતું, જ્યારે ચર્ચિલ પાસે સામ્રાજ્યનું સેનાબળ હતું. મહાત્મા પાસે સત્યાગ્રહ હતો અને ચર્ચિલ પાસે સત્તાગ્રહ હતો. મહાત્મા રેંટિયો ચલાવતા હતા અને ચર્ચિલ બ્રિટિશ સામ્રાજ્યના તાણાવાણા મજબૂત કરનારા વણકર હતા. બંને પોતપોતાની વાતે મક્કમ હતા. એકને પૂર્ણ સ્વરાજથી ઓછું કશુંય ખપતું ન હતું અને બીજાને સામ્રાજ્યનું પોત જરાય નબળું પડે તે મંજૂર ન હતું. ટૂંકી પોતડીમાં શોભતા સત્યની સામે વિરાટ સામ્રાજ્યનું સમર્થ અસત્ય ઊભું હતું.
વીસમી સદીનાં આવાં બે ઐતિહાસિક પાત્રોને juxtapose કરીને સાથોસાથ મૂલવવાનું સહેલું નથી. આર્થર હર્મને પોતના મહાગ્રંથ ‘Gandhi & Charchil’ (બેન્ટમ બૂક્સ, ન્યૂ યોર્ક, મે ૨૦૦૮, પાનાં ૭૨૨)માંઆ બંને પાત્રોને સંશોધનને આધારે આબાદ પ્રગટ કર્યા છે. ગ્રંથના કવર પર એક બાજુ ગાંધીજીનો અને બીજી બાજુ ચર્ચિલનો ફોટો આપ્યો છે. એ બંને ફોટા વચ્ચે મોટા અક્ષરે શબ્દો લખ્યા છેઃ ‘વીરત્વની એવી હરીફાઈ, જેણે સમ્રાજ્યને ખતમ કર્યું અને આપણા યુગનો આરંભ કર્યો.’ આવું વજનદાર થોથું અત્યારે મારા હાથમાં છે. ગ્રંથમાં સચવાયેલી અમૂલ્ય સામ્રગીનો સાર અહીં થોડાક શબ્દોમાં ધરી દેવાનો ઉપક્રમ છે.
મહાત્મા ગાંધીને ત્રણ મહાનુભાવોએ ખાસ મચક ન આપીઃ મહંમદઅલી ઝીણા, ચર્ચિલ અને આંબેડકર. ૧૯૪૮ ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીનો દેહવિલય થયો ત્યારે પ્રાપ્ત થયેલા પ્રતિભાવો લેખકે નોંધ્યા છે. ઝીણાએ કહ્યુઃ ‘હિંદુ સમાજે પેદા કરેલા મહાન માણસોમાંના તેઓ એક હતા.’ (પાન ૫૮૬) ચર્ચિલ તરફથી મહાત્માને કોઈ શબ્દાંજલિ પ્રાપ્ત થઈ ન હતી. ડૉ. આંબેડકરનો પ્રતિભાવ હતોઃ ‘મારો ખરો શત્રુ ગયો ! વિધાતનો આભાર કે ગ્રહણ પૂરું થયું.’ (પાન ૫૮૬) બ્રેટેશ કેબિનેટમાં મહત્વનું સ્થાન ધરાવતા સર સ્ટેફર્ડ ક્રિપ્સના શબ્દો હતાઃ ‘મને કોઈ પણ સમયના કે પછી નજીકના ઈતિહાસના એવા બીજા કોઈ પણ મનુષ્યની જાણ નથી, જેણે આટલી બુલંદી સાથે અને આટલી પ્રતીતિપૂર્વક ભૌતિક બાબતો કરતાં આત્માની સત્તા ચડિયાતી છે એવું બતાવી આપ્યું હોય.’ (પાન ૫૮૮) વિખ્યાત નવલકથાકર અને નોબેલ પારિતોષિક વિજેતા પર્લ બકે ગાંધીજીની હત્યાને ‘બીજા ક્રૂસારોહણ (crucifixion)’ તરીકે ગણાવ્યું હતું. આઈન્સ્ટાઈને કહ્યું : ‘સંપૂર્ણ નૈતિક અધઃપતન પામેલા આપણા સમયમાં તેઓ (ગાંધીજી) એકમાત્ર એવા રાજપુરુષ હતા, જેઓ રાજકારણના ક્ષેત્રે ઊંચા પ્રકારના માનવસંબંધો માટે અડીખમ ઊભા રહેનારા હતા.’ (પાન ૫૮૮) પંડિત નેહરુએ કહ્યું હતું : ‘મિત્રો અને સાથીઓ ! આપણા જીવનમાંથી પ્રકાશ ચાલી ગયો છે અને સર્વત્ર અંધકર છવાયો છે.’ (પાન ૫૮૬)
ગાંધીજીનો નશ્વર દેહ બિરલા ભવનમાં રાખવામાં આવ્યો ત્યારે ગાંધીપુત્ર દેવદાસે બાપુની છાતી ખુલ્લી રહે તે માટે આગ્રહ રાખ્યો હતો. એણે કહ્યું હતું : ‘કોઈ પણ સૈનિકની છાતી, બાપુની છાતી કરતાં અધિક ભવ્ય ન હતી.’ (પાન ૫૮૬) લેખક એક જગ્યાએ જણાવે છે કે દક્ષિણ આફ્રિકાની જેલમાં ગાંધીજીએ સોક્રેટિસની જીવનકથા વાંચી હતી. પુસ્તકનું મથાળું હતું : ‘The story of s True Worrion’ સોક્રેટિસ એવો પ્રથમ ચિંતક હતો, જેણે કહ્યું હતું કે : ‘બીજાઓને નુકસાન પહોંચાડવા કરતાં પોતે પીડા ભોગવી લેવી સારી.’ ગાંધીજીને સોક્રેટિસની આ વાત ગમી ગઈ હશે ! ૧૯૦૭ની સાલમાં ગાંધીજીના શબ્દો હતા :
વરુની નિંદા કરવાથી
ઘેટાંને ઝાઝો લાભ નહીં થાય.
વરુની ચુંગાલમાં ન ફસાવાનું
ઘેટાંએ શીખી લેવું રહ્યું !
વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન ભારતના ભાગલા માટેની યોજના સ્વીકાર પામે તે માટે મથી રહ્યા હતા ત્યારે તેમણે ચર્ચિલને કહ્યું કે પોતે નેહરુનો ટેકો પત્ર દ્વારા મેળવી ચૂક્યા છે. ચર્ચિલે પૂછ્યું : ‘મિ. ગાંધી તરફથી કોઈ મુશ્કેલી નડે તેવું તમને લાગે છે ?’ માઉન્ટબેટને કહ્યું :’ગાંધી શું કરશે તે કળવું મુશ્કેલ છે (Gandhi is unpredictable), પરંતુ તેઓ એવી કોઈ મુશ્કેલી નહીં સર્જે, જેને નેહરુ અને (સરદાર) પટેલ પહોંચી ન વળે. ખરી સમસ્યા ઝીણા અંગેની છે.’ તરત જ ચર્ચિલે કહ્યું : ‘ઓહ ગોડ ! એ તો એક એવો માણસ છે, જે બ્રિટનની મદદ વિના ટકી જ ન શકે. તમારે એને તો ધમકી જ આપવી જોઈએ. જો બધું નિષ્ફળ જાય તો ઝીણાને મારો અંગત સંદેશો આપજો. એમને કહેજો કે જો તઓ આ ઓફર બંને હાથે ન સ્વીકારે તો પાકિસ્તાન માટે એ જીવન-મરણનો પ્રશ્ન છે.’ આ સંદેશો માઉન્ટબેટને ઝીણાને કહ્યો. ઝીણા માટે તો કોઈ પણ જીવતા મનુષ્ય કરતાં ચર્ચિલ વધારે પ્રશંસનીય હતા. ચર્ચિલનો સંદેશો સાંભળીને ઝીણા અવાક થઈ ગયા. તેમની બોલતી જ બંધ થઈ ગઈ ! એમણે હકારમાં માત્ર ડોકું ધુણાવ્યું. ચર્ચિલને કારણે ભારતના ભાગલા સામેની આખરી મુશ્કેલી દૂર થઈ ગઈ. હવે ભાગલાની યોજના ઊંધી વાળે તેવું કોઈ હોય તો માત્ર ગાંધીજી જ હતા. (પાન ૫૬૮) આ ગ્રંથ વાંચ્યા પછી કેટલીક હકીકતો જાણવા મળી, જે ખૂબ જ ટૂંકમાં વહેંચવાનું મન થાય છે. સાંભળો :
* સન ૧૮૫૮ના નવેમ્બરની પહેલી તારીખે રાણી વિક્ટોરિયાનો ઐતિહાસિક ઢંઢેરો બહાર પડ્યો. આ ઘટના પછી રાણીએ હિન્દી ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. (પાન ૨૫)
* કોઈકે ચર્ચિલને પૂછ્યુઃ ‘હાઉસ ઓફ કોમન્સમાં ૪૫ મિનિટનું ભાષણ તૈયાર કરવામાં તમને કેટલો સમય લાગે?’ ચર્ચિલે જવાબ આપ્યોઃ ‘પૂરા અઢાર કલાક.’ (પાન ૨૫)
* વાઈસરોય માઉન્ટબેટન ઝીણા માટે કેવો અભિપ્રાય ધરાવતા હતા? જવાબ છેઃ ‘સાવ ઠંડાગાર (frigid), ઘમંડી (haughty), ઘૃણાથી ભરેલા (disdainful), માનસિક વિકૃતિવાળા (psychopathic), છિનાળના પેટના (bastard), (પાન ૫૬૫)
* ગાંધીજીના માતા પૂતળીબાઈ પ્રણામી પંથનાં હતાં. પ્રણામી મંદિર ઘરથી ૨૦૦૦ વાર છેટું હતું. તે પંથના લોકો શરાબ અને માંસાહારથી દૂર રહેનારા હતા. એ મંદિરમાં નૈવેદ્ય ચડાવવાની વેદી પર કુરાન પણ ગોઠવાયું હતું. (પાન ૫૨)
* ચર્ચિલે ૧૯૫૪ના એપ્રિલમાં કહ્યું હતુઃ ‘આપણે આપણું ગૌરવવંતું સામ્રાજ્ય ફંગોળી દીધું છે અને સાથે આપણું અદ્‍ભુત ભારતીય સામ્રાજ્ય પણ !’ (પાન ૫૮૮)
* શાંત મહાસાગરમાં મહાન સ્ટીમર ડૂબી રહી છે. (પાન ૫૪૦)
* ચર્ચિલે સ્ત્રીઓને મતાધિકાર મળે તેનો વિરોધ કર્યો હતો. (પાન ૧૫૩)
* * *
પુસ્તક વાંચ્યા પછી આજની નવી પેઢીને એટલું જ કહેવું છે કે ગાંધીજીને સમજવા હોય તો જૂની પેઢીના કંડિશનિંગ (અભિસંધાન)થી દૂર રહીને સીધા ગાંધીજીને જ મળવાનું રાખશો. યુવાન ગાંધીને મળવું હોય તો પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ વાંચજો. ગાંધીજીનું નામ સાંભળીને ધૂણવા માંડવાની જરૂર નથી. ખરી જરૂર સત્યનિષ્ઠાથી રસાયેલી એમની જીવનશૈલીને વિચારપૂર્વક એને સ્વતંત્રપણે સમજવાની છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી મહાત્મા ગાંધી યુવાન રહ્યા હતા

Comments

Popular posts from this blog

ગુજરાતી સામયિકો